જીવન ડાયરી ના સ્મૃતિ પૃષ્ઠો -“કવિતાનો છોડ”

                         મને “કવિતાનો છોડ” શિરપાવ

માનવીના જીવનમાં અમુક ઘટના ઈશ્વરનો આશીર્વાદ બની આવે છે, ધાર્મિક વાતાવરણ, સગા સંબંધીઓ નો સંપર્ક, સંતોની પ્રેમ કૃપા, સંગીત, શબ્દ અને સાનિધ્ય નો સથવારો જીવનને ઘડે છે. આ વાત મને એટલા માટે યાદ આવી કે -મારા એક મિત્ર પાસે વહેતી વહેતી વાત આવી કે કેદારસિંહ બાપુ ને ‘કવિતાનો છોડ” એવી ઉપાધિ એક મહાન કવી દ્વારા મળેલી છે -આ વાત નું સત્ય જાણવા એક દિવસ એણે સીધી મને પૃચ્છા કરી અને મારી સ્મૃતિનો ખજાનો યાદ આવ્યો અને આ વાત સમજાવવા મેં માંડીને વાત કરવા ધાર્યું, તે વખતે તો ઉપલક વાત થઈ પણ મન ન માન્યું એટલે આજે ભૂતકાળ ના મોંઘેરા પડળ ઉખેડવા બેઠો છું.
કીર્તન, ભજન ઈશ્વર સ્મરણ, સંત સમાગમ, તીર્થવાસ અને પ્રભુ પ્રસન્નતા, આ બધું પુણ્યશાળી જીવો ને પ્રાપ્ત થાય છે, માતાજીની કૃપાથી ગાવાનો અને લખવાનો શોખ મને નાનપણ થી, સ્નેહીઓ અને મિત્રો ના પ્રયાસથી મારી રચનાઓ ની પ્રથમ ભજનાવલી “દીન વાણી” રૂપે પ્રકાશિત કરી ત્યારે મારા ગુરુ સમાન વંદનીય કવિ શ્રી “દાદ” એ તેની પ્રસ્તાવના લખી અને તેમાં મને “કવિતા નો છોડ” નામે શિરપાવ આપી સન્માનિત કર્યો.
મારું બાળપણનું જીવન સાહિત્ય ઉપાસકો કવિઓ અને ગઢવી સમાજના ધુરંધરોની વચ્ચે શરૂ થયું હતું. ધ્રોલ તાલુકાનું મારું ગામ “ગોલીટા.” એ સમયે આવન જાવન માટે બહુજ જૂજ સાધનો તેમાં વાહન વ્યવહાર માં ફક્ત રેલવે, અને તે હડમતીયા જંક્શન થી મળે જે ૧૫, કી.મી. દૂર, મારા ગામ થી નજીકમાંજ ચારણ કવિઓ થી ધમધમતું “ધુનાનાગામ” કે જે ધ્રોલ ઠાકોરસાહેબ તરફ થી ઈસરદાસજી ના જ ગામ સચાણા ના કવિ અને સાહિત્યકાર શ્રી ધુનાદાનજી ને મળેલું. શ્રી ધુનાદાનજીના સમય માં ધ્રોલ ઠાકોરસાહેબ-જેમના નામ ની મને ખબર નથી – ત્યાં તેમના ભાણેજ મહેમાન બની ને પધારેલા, એ સમયે નાગા બાવાઓ ની જમાત ઢોલ-નગારા સાથે નીકળી, મામા-ભાણેજ વચ્ચે વાક ચર્ચા ઉગ્ર બની “આવું સૈન્ય ચડી આવે તો આપ કેમ બચાવ કરો ?” જેવા વિવાદમાં ભાણેજે મામા ને લડાઈ કરીને હરાવવાનું આહ્વાન આપી દીધું, અને આ યુદ્ધ નું વર્ણન આલેખવા માટે શ્રી ધુનાદાનજીને આમંત્રણ આપવામાં આવ્યું, અને યુદ્ધના અંતે આ કાર્ય ના પુરસ્કાર રૂપે મારા ગામ ની બાજુમાં પડેલી જમીન તેમને આપવામાં આવી, જ્યાં શ્રીમાન ધુનાદાનજી ના નામ પર થી “ધુનાનાગામ” વસાવવામાં આવ્યું) આ આખાએ ગામ પર જાણે મા સરસ્વતી ની કૃપા વરસી હોય તેમ આ ગામ માં અનેક નામી કવિઓ એ જન્મ લીધો છે અને લોક સાહિત્ય ની લહેર ફેલાવી છે, કોઈ એવું ખોરડું ન મળે કે જેમના કુળમાં થી એકાદ રચના બની ન હોય. ધુનાનાગામ થી અન્ય સ્થળે જવા-આવવા માટે હડમતીયા જવું પડે, ત્યારે વચ્ચે અમારું ગામ આવે, યુગો થી રાજા મહારાજાઓ અને ગઢવીઓ ને ગાઢ સંબંધ, અમો ધ્રોલ ભાયાત હોવાથી ધુનાનાગામ સાથે ગાઢ ઘરોબો મારા પિતા શ્રીના વખત થી હતો, આ ગામમાં આવતાં જતાં ધુનાનાગામ ના મહાન કવિઓ શ્રી કષ્ણદાનજી (શ્રી કસુદાનજી) શ્રી ભગુદાનજી, શ્રીમાન રતુદાનજી જે સાહિત્યકાર, ઉપરાંત નાટ્ય કલાકારો પણ ખરા, પરંતુ નાટ્ય કલાકારો ની આજે મને આછી પાતળી યાદ સિવાય વધારે યાદ નથી. આવા અનેક મહાનુભાવો અમારી ડેલીએ પધારે, ભક્તિ નો હરિ રસ અને શૌર્ય રસ સાથે કવિતાઓ ની રસ લહાણ કરે, આ રસ લહાણે મારા જીવનમાં ભક્તિ રસ નું સિંચન કર્યું, અને સંસ્કારો નું ખાતર મળતાં કવિતાના છોડના મુળીયાં નંખાયા જેને કવિ શ્રી “દાદ” એ પારખેલું જે “દીન વાણી” ની પ્રસ્તાવના લખતી વખતે પ્રસ્તુત કર્યું. મારી કુમળી વય થી આ સંસ્કાર આત્મસાત્ થયાં જેને હું ઈશ્વર કૃપા નો પ્રસાદ માનું છું, તેના થકી મેં કાવ્ય રચના ની કેડી પર ડગ માંડ્યાં.
સમય ના વહેતા ગાળામાં મને અમારા કુટુંબ ના સભ્ય સમાન, તેમજ મારા મોટા ભાઈ મહેન્દ્રસિંહજી (જીણકુભાઈ) ના પરમ સખા ગુજરાતના પ્રતિષ્ઠિત ભક્ત કવિ શ્રી “દાદ” સાથે લાંબો સમય ગાળવાનો મોકો મળ્યો. કવિ શ્રી “ધુનાનાગામ” ના ભાણેજ હોવાથી, અને ત્યાં જ રહેતા હોવાથી મને તેમના માર્ગદર્શન નો ખજાનો મળતો રહ્યો.
જે સમયે રામાનંદ સાગર ની ટીવીમાં પ્રખ્યાત રામાયણ સિરિયલ પ્રસારિત થતી ત્યારે શહેરો કે ગામડામાં જ્યાં આ પ્રસારણ જોવા મળતું ત્યાં સોપો પડી જતો, એ સમયે શ્રી “દાદ” માટે નિર્માતા રામાનંદ સાગર આ વિષય વસ્તુ ની માહિતી માટે અનેક વાર રામાયણ પર ચર્ચા કરવા માટે હવાઈ જહાજ દ્વારા કવિ શ્રી “દાદ” ને નિમંત્રવામાં આવતા, લગ ભગ એજ અરસામાં કવિ શ્રી “લક્ષ્મણાયન” વિષે લખવામાં પ્રવૃત્ત હોઈ ને રામાનંદ સાગર ને લક્ષ્મણ વિષે દુર્લભ અનેક જાણકારીઓ કવિ શ્રી તરફ થી મળતી. મારા માતુશ્રી ઘણી વખત કવિરાજ ને દરબારગઢ માં પધારવા આગ્રહ કરતા અને આવા અનેક વિષયો પર ચર્ચા થતી, ભાગ્ય યોગે ત્યારે મને પણ આ શાસ્ત્રાર્થ સમાન વાર્તાલાપ માં શ્રવણેંદ્રિય પવિત્ર કરવાનો અવસર મળ્યો જે મારા માનસ પટ પર છવાઈ ગયો, એ ધાર્મિકતા અને ભક્તિ ની ગાઢ છાપ આજ પણ સ્મૃતિમાં સળવળે છે.
બચપણ થીજ મને સારો કંઠ હોવાથી ગાયકી નો શોખ, જે ફિલ્મી ગીતો થી ભજન તરફ વળ્યો, રાજકોટ રેડીઓ પર મહેમાન બની ગાવાની તક મળેલી, અને રેડીઓ ની પરીક્ષા અણ પાસ કરેલી, પણ તેના પર વધુ ધ્યાન હું આપી ન શક્યો-કે આપ્યું નહીં- ૧૯૭૯, માં કચ્છમાં ગાંધીધામ આવવાનું થયું, પછી આકાશવાણી રેડીઓ વીસરાઈ ગયો, પણ ઈશ્વરની મરજી કૈંક અલગ હતી, મારા પર કૃપા દૃષ્ટિ ની રહેમ ચાલુ હતી, ગાંધીધામ માં અમારા ધુનાનાગામ ના ભાણેજ શ્રી અયાચી કુટુંબ નું મોટું નામ, કાવ્ય સાહિત્ય ઉપરાંત અનેક કળા, એમાં પણ સ્વ.શ્રી નારસંગજીભાઈ પ્રખર વકીલ અને અનેક સાહિત્ય માં પારંગત, તેમના મુખ થી પહેલી વાર જ્યારે મેં “શિવ તાંડવ સ્તોત્રમ” માંડવી માં બ્રહ્મ લીન શ્રી નારાયણ બાપુના આશ્રમ માં ભાવાર્થ સાથે સાંભળ્યું ત્યારે તેમના જ્ઞાન વિષે મને અનન્ય માન થયું. આ ઉપરાંત પુ. નારાયણ બાપુ સાથે તેમણે જે શબ્દોમાં મારો ખાસ પ્રકારે પરિચય કરાવ્યો ત્યારે મને ખરેખર થયું કે ઈશ્વરની મારા પર કેવી કૃપા છે? નહિતો આ બધા મહાનુભાવો ના મિલન માં મારી હાજરીની નોંધ પણ ન લેવાય. ત્યાર બાદ બ્ર.લી. નારાયણ બાપુ સાથે ઘણી વખત મળવાનું થયું, બાપુ કાર્યક્રમોમાં મને તેઓ શ્રી ના મંચ પર બેસવાનો આગ્રહ રાખતા જે મારા અહોભાગ્ય ગણાય, પણ મારા દુર્ભાગ્યે પુ. બાપુ ની તબિયત નાદુરસ્ત રહેવા લાગી અને મારો રાહબર મને છોડી ને જતો રહ્યો, પણ ગં.સ્વ. નાથુબા ના આશીર્વાદ આજ પણ મારા પર અવિરત છે.
ગાંધીધામ વસવાટ કર્યા બાદ પણ મારો ધુનાનાગામ નો સાથ ચાલુજ રહ્યો. ૧૯૯૧માં હું ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેવા આવ્યો ત્યારે અનેક મિત્રો જાણતા હતા કે હું ઓસલો સોસાયટીમાં પાંચ વર્ષ થી (માનદ) ગરબા ગાતો હતો, તેથી બધાય મળીને અહીં નવરાત્રિ નું આયોજન કરવાનું નક્કી કર્યું. એક સારું આયોજન થાય તે માટે મેં કવિ શ્રી “દાદ” ને આમંત્રિત કરવાની વાત કરી અને હું ધુનાનાગામ શ્રી “દાદ” ને આમંત્રણ આપવા ગયો. એક વ્યવહારિકતા મુજબ મારાથી પુછાઈ ગયું કે આપને શું આપવું ! પ્રતિઉત્તર માં સણસણતો જવાબ હતો કે “પૈસા આપીને મને લેવા આવ્યા હો તો નહીં આવું, પણ પોતાનો જાણીને કહેવા આવ્યા હો તો આવીશ અને રહેવાની સગવડ કરી રાખજો હું સમય સર પહોંચીશ.” અને અમારા બન્ને ના સ્વચરિત માતાજી ના ગરબા અરસપરસ સાંભળી સંભળાવી અને જાણે માતાજી ની પ્રતિષ્ઠા કરી દીધી, ત્યાં આજે માતાજી નું ભવ્ય મંદિર અને સ્કૂલ બની ગયા છે. આમ ૧૯૯૧ નું વર્ષ મારા જીવન માં એક યાદગાર વર્ષ બની રહ્યું છે. પછી તો ” છે શક્તિ કેરો સાથ” જેવી રચના ના રચયિતા કવિ શ્રી પ્રદીપ ગઢવી, સ્વ. શ્રી હેમુભાઈ ગઢવી ના પુત્રો શ્રી બિહારી ગઢવી, સ્વ. શ્રી જીતુ ગઢવી અને બ્રહ્મ લીન નારાયણ બાપુ ના બન્ને પુત્રો હીતેશ ગઢવી અને હરેશ ગઢવી સાથે મુલાકાતો થતી રહી.
થોડા વર્ષો થી ભચાવ માં “ભજનધામ” ના સ્થાપક શ્રી પાલુભાઈ ગઢવી “ભજનાનંદી” સાથે આત્મીયતા વધી, ભજન સંસ્કૃતિ ને સંવર્ધિત કરવા અને નવોદિતો ને પ્રોત્સાહન આપવા અને સાથોસાથ ગાયકી માં જે માહેર હોય એવા ના કંઠ, સંગીત અને લોક સાહિત્યનો ધર્માર્થે લાભ મળે તેવા શુભ આશયથી દર રવિવારે યોજાતા ભજન કાર્યક્રમમાં સભ્ય બનવાનો અને ભજન ગાવાનો આનંદ મળ્યો, આમ મારા ભજનો, સંત સમાગમ ઘરેલુ ધાર્મિક વાતાવરણ, અને મારી સામાન્ય ગાયકી થકી આ ક્ષેત્ર વિસ્તારિત થયું ત્યારે એમ લાગ્યું કે “કવિતાનો છોડ” એ મારા ગુરુ સમાન કવિશ્રી “દાદ” ની કદાચ આગાહી હતી. કહેવાય છે કે સાચો આશીર્વાદ આસમાને પહોંચાડે છે, હું કોઈ મોટો ભજન ગાયક કે કલાકાર નથી અને બની પણ ન શકું, પણ મારી લાયકાત ના પ્રમાણ માં આજે હું જ્યાં પહોંચ્યો છું તે મારી ગ્રહણશક્તિ ના પ્રમાણ માં ઘણું વધાર છે જે “કવિતાનો છોડ” ને અંકુરિત કરે છે. જય માતાજી.

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
૮૧૬૦૬૩૦૪૪૯.

About kedarsinhjim

કેદારસિંહજી એમ જાડેજા, માતાજીની કૃપાથી ભજનો અને ગરબાની રચનાઓ કરવી ગાવી એ મને ગમેછે. કવી દાદ જેવા સ્નેહી જનો નો મને સાથ મળ્યોછે, અને પ. પુ. નારાયણ બાપુ એ મને સાંભળ્યોછે અને માણ્યો પણ છે, તેમના પણ મારા પર અનેક આશીર્વાદો વરષ્યાછે,અને મારી રચના ગાવાની પણ કૃપા કરીછે. ૧૧૫,એમ આઈ જી. ૭૫૩,ગુજ્રત હાઉસીંગ બોર્ડ, કંડલા સ્પે.ઈકો. ઝોન ગાંધીધામ. કચ્છ. ૩૭૦૨૩૦. Email:-kedarsinhjim@gmail.com kedarsinhjim.blogspot.com dinvani.wordpress.c મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિભાવ આપો